
ફરાર મુખ્ય આરોપીને પકડવા ટીમ બનાવાઇ
By NEWS
2025-03-19અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારા વધુ ૩ અસામાજિક તત્ત્વો ઝડપાયા છે. જેમાં ૪ ના મકાન પર બુલડોઝર ફરશે તેમ માહિતી મળી હતી. ઉલ્લેખનીય છે કે હોળીના દિવસે વસ્ત્રાલમાં ૨૫ થી વધુ શખસોએ હાથમા ખુલ્લી તલવારો, છરી અને પાઇપ જેવા હથિયારો સાથે આખા વિસ્તારને બાનમાં લઇને રાહદારીઓને ઉભા રાખીને તલવાર અને છરી ઘા મારીને તેમના વાહનોની તોડફોડ કરી હતી.
આ તમામ અસામાજિક તત્ત્વો આ રીતે પોતાની ધાક જમાવવા માટે આતંક મચાવતા હતાં. આ કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓને રાઉન્ડઅપ કર્યા છે અને ચાર જેટલાં આરોપીના ગેરકાયદે ઘર પર બુલડોઝર ફેરવશે. વસ્ત્રાલમાં આતંક મચાવાના લુખ્ખાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસે આરોપીઓને જાહેરમાં સરભરા કરીને કાયદાનું ભાન કરાવ્યું હતુ. બાદમાં સાત આરોપીના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ અંગે વધુ ત્રણ આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. આ સિવાય ફરાર મુખ્ય આરોપીને પકડવા માટે ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે. આ સિવાય પોલીસે તમામ આરોપીના ઘરની વિગતનો રિપોર્ટ આપ્યો છે. જ્યારે અન્ય ચાર જેટલા આરોપીના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવશે.