INDIA WEATHER

૧૫ દિવસની લગભગ ૪૫૦ સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી

By
2025-03-18

ગુજરાત રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ શહેરમાં હેલમેટ ન પહેરવા બદલ ૪૫૦ સરકારી કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. એટલું જ નહીં શહેરમાં છેલ્લા ૧૫ દિવસમાં હેલમેટ ન પહેરનારા ૫૦૦૦ વાહન ચાલકો પણ દંડાયા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો હતો. ત્યારબાદ સરકારી કચેરીમાં તમામ કર્મચારીઓમાં દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત કરાયા છે.

હાઇકોર્ટના કડક વલણને પગલે રાજ્યના DGP વિકાસ સહાયએ આદેશ કરતાં હેલ્મેટ વગરના કર્મચારીને દંડિત કરવામાં આવી રહ્યા છે. સરકારી કર્મચારીઓમાં હેલ્મેટ પાલન અંગે પોલીસ મહાનિર્દેશકના કડક નિર્દેશોને પગલે અમદાવાદ ટ્રાફિક પોલીસે સરકારી કચેરીઓની બહાર એક વ્યાપક ઝુંબેશ શરૂ કર્યું હતું.

કલેક્ટર ઓફિસ અને પોલીસ કમિશનર ઓફિસ સહિતના મુખ્ય સ્થળોએ હેલ્મેટ અને સીટબેલ્ટના નિયમોનું પાલન કરવા માટે ટ્રાફિક પોલીસ કર્મચારીઓની ભારે તૈનાતી જોવા મળી હતી. આ કામગીરી દરમિયાન અમદાવાદ ટ્રાફિક પોલીસે કુલ ૬૬૦ કેસ નોંધ્યા અને રૂ.૩.૩૦ લાખ દંડ વસૂલ્યો હતો. નોંધનીય છે કે, પોલીસ અધિકારીઓને પણ બક્ષવામાં આવ્યા ન હતા. તેમની સામે પાલન ન કરવા બદલ ૭૨ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. વધુમાં નાગરિક સરકારી કર્મચારીઓ સામે ૫૭૫ કેસ નોંધાયા હતા.