
સુનીતા વિલિયમ્સને અંતરીક્ષમાંથી ધરતી પર કેવી રીતે લવાશે, શું હજુ મોડું થશે?
By WORLD NEWS
2025-03-17સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર આંતરરાષ્ટ્રીય અવકાશમથકમાં આઠ દિવસ વિતાવવાના હતા. પરંતુ અવકાશયાનમાં ટેકનિકલ ખામીને કારણે બંને નવ મહિનાથી ત્યાં છે.
સુનીતા અને બુચના પૃથ્વી પર પાછાં ફરવાની પ્રક્રિયા આ અઠવાડિયાના અંતમાં શરૂ થશે. નાસાના સ્ટીવ સ્ટિચે કહ્યું કે તેઓ આ અંગે ઉત્સાહિત છે.
તેમણે કહ્યું, "બુચ અને સુનીતાએ શાનદાર કામ કર્યું છે અને અમે તેમને પાછાં લાવવાં ઉત્સાહિત છીએ."
ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન, નાસા અને સ્પેસએક્સે સોશિયલ મીડિયા પર લાઇવ ફૂટેજ પોસ્ટ કર્યા હતા જેમાં સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન સાથે ડૉકિંગ અને હૅચ ખૂલતું દર્શાવવામાં આવ્યું છે. આ પછી અવકાશયાત્રીઓ એકબીજાને ગળે લગાવતા પણ જોવા મળ્યા.
આંતરરાષ્ટ્રીય અવકાશમથક પર અવકાશયાત્રીઓને તેમના નાસાના સાથીદાર નિક હેગ દ્વારા મદદ કરવામાં આવશે.
આ ઉપરાંત, રશિયન અવકાશ એજન્સી રોસકોસ્મોસના અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ, જાપાન અને અમેરિકાના બે-બે અવકાશયાત્રીઓ પણ તેમને મદદ કરશે.
જૂની ટીમ એટલે કે સુનીતા અને બુચને નવી ટીમને હેન્ડઓવર કરવામાં બે દિવસ લાગશે. આ પછી, તેમના પૃથ્વી પર પાછા ફરવાની તૈયારીઓ કરવામાં આવશે.