INDIA WEATHER

૫ હજાર જેટલા પેન્શનરોનુ પેન્શન પણ અટવાયું

By
2025-03-15

અમદાવાદ શહેરની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકોને હોળી ધુળેટી તેમજ રમજાનના તહેવાર ટાણે જ પગારની રામાયણ ઉભી થઈ છે. સામાન્ય રીતે ૧ તારીખ આસપાસ પગાર થઈ જતો હોય છે પરંતુ માર્ચ માસને શરૂ થવાના દસ દિવસથી વધુ સમય થયો છતાં પગાર નહીં થતા શિક્ષકોની મુશ્કેલીઓ વધી છે.

સ્કૂલ બોર્ડમાં ૪૦૦ થી વધુ શાળાઓમાં ૪૦૦૦ જેટલા શિક્ષકો ફરજ બજાવે છે જેમને હાલ તહેવાર ટાણે જ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ શિક્ષકો હાલ તહેવાર સમયે પોતાનો ખર્ચો કેવી રીતે કાઢે તેને લઈને સમસ્યા ઊભી થઈ છે.

સામાન્ય રીતે સરકારી કર્મચારીઓને દર મહિનાની પહેલી તારીખે પગાર થઈ જાય છે. પરંતુ ચાલુ મહિનામાં ૧૦ દિવસથી વધુ સમય થવા છતાં પગાર નહિ થતાં મુશ્કેલી સર્જાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડમાં ૪ હજાર જેટલા શિક્ષકો ફરજ બજાવે છે. આ ઉપરાંત ૫ હજાર જેટલા પેન્શનર છે જેઓનું પેન્શન પણ અટવાયું છે. જેને લઈને શિક્ષકો હાલ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

સ્કૂલ બોર્ડમાં શિક્ષક યુનિયનના પ્રમુખ મનોજભાઈ પટેલએ જણાવ્યું કે, “એક તરફ હોળી અને ધુળેટીનો તહેવાર છે બીજી તરફ રમજાનમાં પણ ચાલી રહ્યો છે એટલે કે તહેવાર ટાણે જ પગાર અટવાયો છે અને તહેવાર ટાણે જ પગારની મુશ્કેલી સર્જાઈ છે. એવું જાણવા મળ્યું છે કે સરકારમાંથી સમયસર ગ્રાન્ટ આવી નથી જેથી શિક્ષકોનો પગાર થયો નથી. મોટાભાગે શિક્ષકોને દર મહિને લોનના હપ્તા ભરવાના હોય તેઓને જો સમયસર પગાર ન થાય તો કેવી રીતે એ હપ્તો ભરી શકે.