પોલીસને જોઈને બે જણા રૂ.1કરોડનું ડ્રગ્સ ફેંકીને ભાગ્યા
By NEWS
2024-05-02એમ.ડી.ડ્રગ્સની ડીલ થતી હતી ત્યારે પોલીસને જોઈને બે જણા રૂ.1કરોડનું ડ્રગ્સ ફેંકીને ભાગ્યા
સુરતમાં રામપુરામાં પકડાયેલું ડ્રગ્સ સ્થાનિક યુવાને મંગાવ્યું હતું : અખાડા મહોલ્લાના શહેબાઝ ખાન અને ડ્રગ ડીલર કાસીફ શેખ વચ્ચે ઉચ્ચ ક્વોલીટીના એમ.ડી.ડ્રગ્સની ડીલ થતી હતી : બેગ અને વાહનો પણ છોડી દીધા પોલીસે પીછો કર્યો પણ સ્થાનિક હોવાથી ગલીઓમાં ફરાર : ડ્રગ્સ, પ્રેસનું કાર્ડ, મોપેડ, બાઈક, ફોન સહિત રૂ.1.02 કરોડનો મુદ્દામાલ કબજે
સુરત, : સુરત શહેર એસઓજી અને પીસીબીએ રામપુરા લાલમીયા મસ્જીદ સામે મદ્રેસા ઇસ્માલીયા સૂફીબાગ પાસેથી ગતરોજ રૂ.1 કરોડનું જે એમ.ડી.ડ્રગ્સ ઝડપી પાડયું હતું તે ઉચ્ચ ક્વોલીટીનું હતું.અખાડા મહોલ્લાના શહેબાઝ ખાન અને ડ્રગ ડીલર કાસીફ શેખ વચ્ચે એમ.ડી.ડ્રગ્સની ડીલ થતી હતી ત્યારે જ પોલીસને જોઈ બંને ડ્રગ્સ ભરેલી બેગ ફેંકી અને પોતાના વાહનો મૂકી ભાગી ગયા હતા.પોલીસે તેમનો પીછો કર્યો હતો પણ સ્થાનિક હોય ભાગવામાં સફળ રહ્યા હતા.પોલીસે ડ્રગ્સ, ત્રણ મોબાઈલ ફોન, બાઈક, મોપેડ અને પ્રેસનું કાર્ડ મળી કુલ રૂ.1.02 કરોડનો મુદ્દામાલ કબજે કરી બંનેને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે.
એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એએસઆઈ ઈમ્તીયાઝ ફકરૂમહમદ અને હેડ કોન્સ્ટેબલ જગશીભાઈ શાંતીભાઈને મળેલી બાતમીના આધારે સુરત શહેર પીસીબી અને એસઓજીએ ગત બપોરે રામપુરા લાલમીયા મસ્જીદ સામે મદ્રેસા ઇસ્માલીયા સૂફીબાગ પાસે વોચ ગોઠવી હતી.બાતમી મુજબ અખાડા મહોલ્લા તરફથી બાઈક ( નં.જીજે-05-પીઆર-9370 ) ઉપર આવેલા શહેબાઝ ઈર્શાદ હુસૈન ખાન ( રહે.અખાડા મહોલ્લા, સુફી બાગ મદ્રેસાની સામે, રામપુરા, સુરત ) એ બર્ગમેન મોપેડ ( નં.જીજે-05-એનવી-9015 ) ઉપર ખભે લેપટોપ બેગ લઈ આવેલા મો.કાસીફ ઈકબાલ ઉર્ફે પસીના શેખ ( રહે.રામપુરા, સુરત ) સાથે વાત કરી તેની પાસેની બેગ લીધી તે સમયે જ તેમની નજર ત્યાં વોચમાં રહેલી પોલીસ ઉપર પડી હતી.પોલીસને જોઈ શહેબાઝે લેપટોપ બેગ ફેંકી હતી અને બંને પોતાના વાહનો ત્યાં જ રહેવા દઈ અખાડા મહોલ્લાની ગલીઓમાં ભાગ્યા હતા.આથી પોલીસે તેમનો પીછો કર્યો હતો.પણ બંને સ્થાનિક હોય ભાગવામાં સફળ રહ્યા હતા.